
ખડગપુર (પશ્ચિમ બંગાળ),નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.)
વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. પશ્ચિમ મેદિનીપુર અને ઝાડગ્રામ
જિલ્લાઓમાં શનિવારે વિવિધ રાજકીય પક્ષોએ દિવસભર અલગ-અલગ વિસ્તારોમાં જનસભાઓ અને
રેલીઓ યોજીને પોતપોતાના ઉમેદવારોના પક્ષમાં સમર્થન માંગ્યું હતું. પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીની આજે બેલદા સ્ટેડિયમમાં વિજય સંકલ્પ જનસભા યોજાવાની છે.
પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ મેદિનીપુરના નારાયણગઢ સ્થિત,
બેલદા સ્ટેડિયમમાં વિજય સંકલ્પ જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ઝાડગ્રામમાં પણ
એક જનસભા કરશે. શનિવારે ઝાડગ્રામ જિલ્લાના નયાગ્રામ વિધાનસભા મતવિસ્તારમાં
તૃણમૂલના ઉમેદવાર દુલાલ મુર્મુના સમર્થનમાં અભિનેતા અને ઘાટાલના સાંસદ દેવ (દીપક
અધિકારી)એ, જનસભાને સંબોધિત કરી હતી.
બીજી તરફ, પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના દાંતન વિસ્તારના કલ્યાણપુરમાં
ભાજપના ઉમેદવાર અજીત કુમાર જાનાના સમર્થનમાં, વિજય સંકલ્પ સભા આયોજિત કરવામાં આવી
હતી. આ સભાને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સંબોધિત કરી હતી. તેમણે પશ્ચિમ
બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે,”રાજ્યમાં
બેરોજગારી અને હિંસાની ઘટનાઓ વધી રહી છે.” તેમણે લોકોને આગામી ચૂંટણીમાં પરિવર્તન
માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
ખડગપુરના ઝાપેટાપુર વિસ્તારમાં, ભાજપના નેતા દિલીપ ઘોષના
સમર્થનમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.
રેલીમાં ખાસ કરીને ખડગપુરના યાદવ સમાજના મોટી સંખ્યામાં લોકો પરંપરાગત વેશભૂષામાં
પહોંચ્યા હતા અને પોતાની પ્રસિદ્ધ લાઠી-ખેલની પ્રસ્તુતિ પણ આપી હતી. ભાજપના
ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ પોતાના વિધાનસભા મતવિસ્તાર નંદીગ્રામમાં પ્રચાર
કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / ગંગા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ