
મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લાના મહેમદપુર ગામના 48 વર્ષીય ખેડૂત ઠાકોર રમેશજી અમરસંગજીએ ખેતીમાં નવી દિશા દર્શાવી છે. તેમણે પોતાના ખેતરમાં 3000 લિટર ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરી મફત ગેસ અને જીવામૃત મેળવવાનું શરૂ કર્યું છે. અંદાજે રૂ. 50,000ના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ 13x8 ફૂટના કદમાં 1000 માઇક્રોન HDPE મટીરીયલથી બનાવાયો છે, જે મજબૂત અને ટકાઉ છે.
આ પ્લાન્ટ દ્વારા દરરોજ 6 સભ્યોના પરિવાર માટે પૂરતો ગેસ મળે છે, જ્યારે એકસાથે 3000 લિટર જીવામૃત તૈયાર થાય છે. ગેસ બનવાની પ્રક્રિયા ઋતુ પ્રમાણે બદલાય છે—શિયાળામાં આશરે 45 દિવસ અને ઉનાળામાં 35 થી 40 દિવસ લાગે છે. શરૂઆતમાં 200 કિલો છાણ, 100 લિટર ગૌમૂત્ર અને 5 કિલો ગોળની જરૂર પડે છે, ત્યારબાદ નિયમિત ઓછા ખર્ચે જ સંચાલન શક્ય બને છે.
રમેશજી આ જીવામૃતનો ઉપયોગ પોતાના 2 વીઘા જમીનમાં ઘઉં, એરંડા અને બગીચા પાકોમાં કરે છે, જેના કારણે જમીનની ઉર્વરાશક્તિ અને પાકની ગુણવત્તામાં વધારો થયો છે. આ પ્લાન્ટથી તેમને રાસાયણિક ખાતરનો ખર્ચ બચ્યો છે અને ખેતી વધુ પર્યાવરણમિત્ર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR