

મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલા ‘ઋષિવન’માં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમાં વન્યજીવોને પાણી ઉપલબ્ધ રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આશરે 100 એકર વિસ્તારમાં ફેલાયેલા આ માનવસર્જિત જંગલમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ સ્થળોએ 35 નાની તલાવડીઓ બનાવવામાં આવી છે, જેને પાઈપલાઈન અને ટેન્કર દ્વારા નિયમિત પાણી પુરું પાડવામાં આવે છે.
આ વ્યવસ્થાના કારણે ઋષિવનમાં 165થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળે છે, જેમાં મોર અને તેતર જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. સાથે સાથે ઝરખ અને શિયાળ જેવા પ્રાણીઓ પણ અહીં નિર્ભય રીતે વસવાટ કરી રહ્યા છે. પાણીની સુલભતાને કારણે આ વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે.
જીતુભાઈએ ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી છે કે ઉનાળામાં પોતાના ખેતર અથવા આસપાસના વિસ્તારમાં નાની પાણીની વ્યવસ્થા કરીને પશુ-પક્ષીઓને મદદ કરવી જોઈએ. તેમનો વિશ્વાસ છે કે મૂંગા જીવોની સેવા કરવી એ જ સાચી પર્યાવરણ સેવા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR