નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે: કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે
- ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે કેન્દ્રિય મંત્રી રક્ષા ખડસેજી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ભાજપા પ્રદેશ કાર્યાલય ‘
ગાંધીનગર


- ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે કેન્દ્રિય મંત્રી રક્ષા ખડસેજી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું

ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ રક્ષા ખડસેજી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં મુકાયેલા મહિલાઓને સન્માન અને અધિકાર આપતા નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ અને INDI ગઠબંધને લોકસભામાં પસાર થતું અટકાવ્યું તે અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ માહિતી ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એ જણાવી.

રક્ષા ખડસેજીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય માટે હતું. સીમાકંન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે તેમનુ સપનું છે કે એક લાખ સામાન્ય વર્ગના યુવક-યુવતીઓ રાજકારણમાં આવે.

રક્ષા ખડસેજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં. તેમણે ઉમેર્યું કે, દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તેનો યોગ્ય જવાબ આપશે. પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને અંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી મહિલાઓને આગળ રાખીને રાજનીતિ કરે છે એવો તેમનો આક્ષેપ નિરાધાર છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી એ વડાપ્રધાન છે જેમણે 2014 પછી મહિલાઓને સક્ષમ બનાવવા માટે માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર કામ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉજ્જ્વલા યોજનાથી 11 કરોડથી વધુ ઘરોમાં ગેસ કનેક્શન મળ્યા છે, જેના કારણે મહિલાઓને ધૂમાડાથી છુટકારો મળ્યો છે, તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી ‘લખપતિ દીદી‘ મિશન દ્વારા લાખો મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે.

રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેમને સારી રીતે ખબર છે કે 2023માં પાસ થયેલા બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સીમાકંન પછી જ આ કાયદો લાગુ થશે. આ બિલ વહેલું લાવવાનું મુખ્ય કારણ એ હતું કે તે 2029થી જ અમલમાં આવી શકે. દેશની વધતી જનસંખ્યા અને વિસ્તારોમાં મતદારોની અસમાન સંખ્યા ધ્યાનમાં લેતા સીમાકંન અનિવાર્ય હતું. ક્યાંક મતદારોની સંખ્યા વધુ છે તો ક્યાંક ઓછી, જેથી યોગ્ય પ્રતિનિધિત્વ માટે રિ-એડજસ્ટમેન્ટ જરૂરી બન્યું. સીમાકંન આજે નહીં તો કાલે થવાનું જ છે, અને જો આ બંને પ્રક્રિયા સાથે આગળ વધે તો આવનારી ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓને સમાન રીતે લાભ મળી શકે તેમ હતું, સાથે જ મહિલાઓને તેમનો યોગ્ય હક પણ મળી શક્યો હોત.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા-બહેનોનું સન્માન અને ગૌરવ વધારવાની એક ઐતિહાસિક સુવર્ણ તક દેશને મળી હતી. આ દિશામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આ બિલમાં રોડા નાખીને મોટું પાપ કર્યું છે, જેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની બહેનોના આશીર્વાદ નરેન્દ્રભાઇ મોદી સાથે છે અને હંમેશા રહેશે. લોકો હવે જાણી ગયા છે કે નારી શક્તિના સશક્તિકરણના હીમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતા અને બહેનોના સશક્તિકરણનો વિરોધ કરનારાઓને આવનારી ચૂંટણીમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપશે તે નિશ્ચિત છે. બહેનોનો વિરોધ કરનાર અને તેમની અવગણના કરનાર કોઈપણ શક્તિ ટકી નથી અને આગળ પણ ટકી શકશે નહીં.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત.પરંતુ કોંગ્રેસ અને તેની સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ મહિલાઓના અધિકારો પર કાળો ડાઘ બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર ન હતી તે ભારતની 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને NDA ની મહિલાઓને સશક્ત બનાવવાની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ છે, જે મહિલાઓના માર્ગમાં અવરોધ બનીને ઉભી છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનના નેતાઓએ બિલ પડ્યું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ થપથપાવી, તે નારી શક્તિનું હળહળતું અપમાન છે. મહિલાઓના અધિકારોને રોકવા એ કોંગ્રેસ પોતાની રાજકીય જીત સમજે છે.

આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયા, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ તથા પ્રદેશના સહ પ્રવકતા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande