
ભાવનગર,19 એપ્રિલ (હિ.સ.)ઉનાળાનું વેકેશન એ કોઈપણ તણાવ અને પરીક્ષાઓના બોજ વિના વિજ્ઞાન શીખવા માટે ઉત્તમ સમય છે.ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા અને તેમને પ્રયોગાત્મક શિક્ષણનો અનોખો અનુભવ આપવા માટે આ ઉનાળામાં એક ખાસ રેસિડેન્શિયલ “સમર સાયન્સ કેમ્પ ૨૦૨૬”નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કેમ્પ બાળકો માટે નવા મિત્રો બનાવવા, તેની સાથે વાર્તાલાપ કરવાની અને નવી વસ્તુઓ શીખવાની તક બની રહશે. સાથે સાથે એક યાદગાર અનુભવ બની જશે.દર વર્ષના સમર સાયન્સ કેમ્પમાં ખુબ જ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે પણ આરએસસી ભાવનગર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી ૫ (પાંચ) થીમ આધારિત સળંગ ત્રણ દિવસનો એક તેવા પાંચ રેસિડેન્શિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.૫ અનોખી થીમ આધારિત કેમ્પ દ્વારા બાળકોને વિજ્ઞાન સાથે પ્રેક્ટિકલ અને રસપ્રદ રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક થીમ વિદ્યાર્થીઓમાં નવી વિચારશક્તિ અને કૌશલ્ય વિકાસ માટે રચાયેલ છે.
થીમ 1: વૈજ્ઞાનિક કેવી રીતે બનવું (૧ થી ૩ મે, ૨૦૨૬)-
આ કેમ્પમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવાની પ્રક્રિયા, વિચારશૈલી અને સંશોધન પદ્ધતિઓનો પરિચય મળશે. વિવિધ પ્રયોગો દ્વારા સાયન્સના મૂળભૂત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવશે, જે તેમના ક્રિટિકલ થિંકિંગ અને ક્યુરિયોસિટી વધારશે. તથા સેન્ટ્રલ સોલ્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા ના સાયન્ટિસ્ટ દ્વારા માર્ગદર્શન લેક્ચર્સ આપવામાં આવશે જેનાથી બાળક ના મનનાં પ્રશ્નોની મુંજવણ દૂર થઈ શકશે.
થીમ 2: સ્પેસ સમર કેમ્પ (૬ થી ૮ મે, ૨૦૨૬)-
વિદ્યાર્થીઓ અંતરિક્ષ, ગ્રહો અને ગેલેક્સીની અજાયબી દુનિયા સાથે પરિચિત થશે. આકાશ નિરીક્ષણ અને સ્પેસ એક્ટિવિટીઝ દ્વારા તેમની કલ્પનાશક્તિ અને સ્પેસ સાયન્સ પ્રત્યે ઉત્સાહ વધારવામાં આવશે. તદુપરાંત ઇસરો ના સાયન્ટિસ્ટને મળવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો અદભૂત મોકો તો ખરો જ!
થીમ 3:મરીન બાયોલોજી / મશીન એન્જિનિયરિંગ (૧૪ થી ૧૬ મે, ૨૦૨૬)
આ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓને સમુદ્રજીવન અને મરીન ઇકોસિસ્ટમ વિશે રસપ્રદ માહિતી મળશે તેમજ મશીનોના કાર્ય વિશે પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવશે, જે તેમને બાયોલોજી અને ઇજનેરી બંને ક્ષેત્રમાં રસ જગાવશે. તદુપરાંત આરએસસી ભાવનગર ખાતેની મરીન એકવેટિક ગેલેરીમાં લાઈવ મરીન બાયોલોજીના એક્સપેરિમેન્ટ્સ કરવાની તક પણ મળશે.
થીમ 4: એઆઈ અને રોબોટિક્સ (૨૧ થી ૨૩ મે, ૨૦૨૬)
વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના આધુનિક ક્ષેત્રનો પરિચય આપવામાં આવશે. હેન્ડ્સ-ઓન એક્ટિવિટીઝ દ્વારા તેઓ સ્માર્ટ ટેક્નોલોજી સાથે કામ કરવાનો અનુભવ મેળવી ભવિષ્ય માટે તૈયાર બનશે. તદુપરાંત આંગળીના ટેરવે ચાલતી ટેકનોલોજી રોબોટ્સ, ડ્રોન ચલાવતા શીખવાનો અદભૂત લ્હાવો પણ મળશે.
થીમ 5: પ્રકૃતિનું અન્વેષણ (૨૮ થી ૩૦ મે, ૨૦૨૬)આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક સાધી બાયોડાયવર્સિટી અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત બનશે. નેચર એક્સપ્લોરેશન તેમને શીખવાની સાથે માનસિક તાજગી પણ આપશે. તદુપરાંત આરએસસી ભાવનગર કેમ્પસની ૭૦ કરતાં વધારે છોડની પ્રજાતિઓ વિષે અવનવું જાણવા મળશે.આ કેમ્પ માં ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ પોતાની મનગમતી થીમની પસઁદગી કરી શકશે. કેમ્પ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે જેની એક કેમ્પ દીઠ ટોકન ફી રૂ. ૧૦૦૦ છે. મર્યાદિત સીટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી અચૂક ભાગ લો.
આ કેમ્પ રેસિડેન્શિયલ રહેશે તથા સેન્ટ્રલાઈઝડ એર કન્ડિશન સજ્જ કેમ્પસ માં ૩ દિવસ હાજરી આપેલ વિદ્યાર્થીને લંચ & ડિનર, એક્ટિવિટી મટીરીયલ, ગેલેરી વિઝિટ, અમેઝિંગ કીટ્સ તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તદુપરાંત ગેલેરી વાઈઝ ભિન્ન એક્ટિવિટીઝ, ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ, અદ્યતન ટેલિસ્કોપ દ્વારા સ્કાય ગેઝીંગ તો ખરુજ. વધુ માહિતી માટે 7874242632, 9586100600 સંપર્ક કરવાનો રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT