
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે સમી તાલુકાના કુકરાણા ગામે 12 વર્ષ જૂના જમીન વિવાદમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદ અને કુલ ₹78,000નો દંડ ફટકાર્યો છે. જજ એમ.એ. શેખે કેસમાં કડક વલણ અપનાવ્યું હતું.
આ ઘટના 14 માર્ચ, 2014ના રોજ રાત્રિના સમયે બની હતી. વાડાની જમીન ખાલી કરાવવાના વિવાદને લઈને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને લાકડી, પાઈપ તથા ધારીયા જેવા હથિયારો સાથે ધીરસિંહના ઘરે પહોંચી હુમલો કર્યો હતો.
ધીરસિંહે જમીન આપવાની ના પાડતા તખતસિંહ જવાનજીએ કપાળ પર ધારીયાનો જીવલેણ ઘા માર્યો હતો. અન્ય આરોપીઓએ ચન્દ્રસિંહ અને તેમના પિતા હઠીસિંહ પર પણ પાઈપ અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
કેસ દરમિયાન સરકારી વકીલ જે.જે. બારોટે કડક સજા માટે દલીલો કરી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ન હોવા છતાં, રહેણાંક વિસ્તારમાં હથિયારો સાથે હુમલો કરવો ગંભીર ગુનો છે. IPC કલમ 307 અને 149 હેઠળ 7 વર્ષની સજા તેમજ અન્ય કલમો હેઠળ વધારાની સજાઓ પણ ફટકારવામાં આવી.
આ ઉપરાંત, ક્રોસ કેસમાં પણ બે આરોપીઓને IPC કલમ 324 અને 114 હેઠળ ₹5,000 દંડ તથા અન્ય કલમો હેઠળ સાદી કેદની સજા કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે સમાજમાં શાંતિ જાળવવા માટે ગુનેગારોને યોગ્ય સજા મળવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ