કેદારનાથ યાત્રાનો શુભારંભ : ઓમકારેશ્વર મંદિરથી રવાના થઈ પંચમુખી ડોલી, 22 એપ્રિલે ખુલશે કપાટ
રુદ્રપ્રયાગ, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ. સ.) વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામની વાર્ષિક યાત્રા અંતર્ગત ભગવાન કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોલી, રવિવારે શિયાળુ ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિરથી વિધિવત પૂજા-અર્ચના બાદ ધામ માટે રવાના થઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર અને પરં
ભગવાન કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોલી


રુદ્રપ્રયાગ, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ. સ.) વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામની વાર્ષિક યાત્રા અંતર્ગત ભગવાન કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોલી, રવિવારે શિયાળુ ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિરથી વિધિવત પૂજા-અર્ચના બાદ ધામ માટે રવાના થઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતિ-રિવાજો વચ્ચે ડોલીના પ્રસ્થાન સાથે જ સમગ્ર વિસ્તાર 'હર-હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મંદિર પરિસરને આશરે 8 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. પૂર્વ પરંપરા અનુસાર શનિવાર રાત્રે ભૈરવનાથજીની પૂજા-અર્ચના પણ સંપન્ન કરવામાં આવી હતી. ડોલી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને અનેક ભક્તો પગપાળા જ યાત્રામાં સામેલ થયા હતા.

નિર્ધારિત યાત્રા કાર્યક્રમ અનુસાર ડોલી ઉખીમઠથી પ્રસ્થાન કરી ગુપ્તકાશી પહોંચશે, જ્યાં શ્રી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે અલ્પ વિશ્રામ કરવામાં આવશે. ત્યારબાદ ડોલી ફાટા માટે પ્રસ્થાન કરશે, જ્યાં રાત્રિ વિશ્રામ નિર્ધારિત છે. આગામી 20 એપ્રિલે ડોલી ફાટાથી પ્રસ્થાન કરી ગૌરીકુંડ સ્થિત ગૌરીમાઈ મંદિરે પહોંચશે, જ્યાં રાત્રિ વિશ્રામ કરવામાં આવશે. બીજા દિવસે 21 એપ્રિલે કેદારનાથ ધામ પહોંચીને મંદિર ભંડારમાં બિરાજમાન થશે. ત્યારબાદ 22 એપ્રિલે સવારે 08 વાગ્યે શુભ મુહૂર્તમાં કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખોલી દેવામાં આવશે, જેની સાથે જ યાત્રાનો ઔપચારિક શુભારંભ થશે.

જિલ્લા કલેક્ટર રુદ્રપ્રયાગ અને બીકેટીસીના મુખ્ય કાર્યકારી અધિકારી વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્દેશાનુસાર યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણ માટે સેક્ટર મેજિસ્ટ્રેટોની નિમણૂક કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી, વીજ પુરવઠો, રસ્તા અને પગપાળા માર્ગોનું સમારકામ, બરફ હટાવવા સહિતની તમામ જરૂરી તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લેવામાં આવી છે.

કેદારનાથ વિસ્તારના ધારાસભ્ય આશા નૌટિયાલે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની સુવિધા માટે તમામ વિભાગોને જરૂરી નિર્દેશો જારી કરવામાં આવ્યા છે, જેથી યાત્રા સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકે. સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ઉત્સાહનો માહોલ છે, અને આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાશે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / ડો. રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande