
નવસારી, 19 એપ્રિલ (હિ.સ.): નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી એક એડ એજન્સીમાં ચોરીનો અજબ બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે એક નકાબધારી શખ્સ તાળું તોડી ઓફિસમાં પ્રવેશ્યો અને અંદર રાખેલા પૈસા તથા ચાંદી પર હાથ સાફ કર્યો. મળતી માહિતી મુજબ, આરોપીએ અંદાજે 60 હજાર રૂપિયા રોકડા અને લગભગ 10 ગ્રામ ચાંદી ચોરી કરી હતી.
ચોરી કર્યા પછી આરોપી તરત ભાગી ગયો નહોતો, પરંતુ બહારની ગરમીથી બચવા માટે તેણે ઓફિસનું એર કન્ડિશનર ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ તે ઓફિસમાં જ આરામથી બેસી રહ્યો હતો. CCTV ફૂટેજ મુજબ, શખ્સ રાત્રે લગભગ 10:26 વાગ્યે અંદર પ્રવેશ્યો અને સવારે લગભગ 4:53 સુધી ત્યાં જ રહ્યો હતો.
આ ઘટનાની માહિતી સામે આવતા પોલીસ પણ ચકિત બની ગઈ છે. હાલમાં પોલીસે CCTVના આધારે આરોપીની ઓળખ કરવા માટે તપાસ તેજ કરી છે અને અલગ-અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે