“ડિજિટલ અરેસ્ટ”ના નામે ₹1.11 કરોડની ઠગાઈનો ભાંડાફોડ – સુરત ગેંગના 4 ઝડપાયા
વલસાડ, 19 એપ્રિલ (હિ.સ.) : વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક ચોંકાવનારા કેસનો ભાંડાફોડ કરતાં “ડિજિટલ અરેસ્ટ”ના નામે ₹1.11 કરોડની ઠગાઈ કરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગાઈનો ભોગ ઉમરગામના 69 વર્ષીય વરિષ્ઠ નાગરિક આલોકકુમાર મૈતી બન્યા હતા.
ડિજિટલ અરેસ્ટ ઠગાઈ કેસમાં ઝડપાયેલા આરોપીઓ.


વલસાડ, 19 એપ્રિલ (હિ.સ.) : વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક ચોંકાવનારા કેસનો ભાંડાફોડ કરતાં “ડિજિટલ અરેસ્ટ”ના નામે ₹1.11 કરોડની ઠગાઈ કરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગાઈનો ભોગ ઉમરગામના 69 વર્ષીય વરિષ્ઠ નાગરિક આલોકકુમાર મૈતી બન્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાને ક્રાઇમ બ્રાંચ, ટ્રાઈ અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે ઓળખાવી પીડિતને ફોન કર્યો હતો. તેમણે પીડિતને ડરાવતાં કહ્યું કે તેમના આધાર કાર્ડ અને બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ કેસમાં થયો છે અને તેમની ધરપકડ થઈ શકે છે.

પીડિતને વધુ ભયભીત કરવા માટે આરોપીઓએ સ્કાઈપ પર વીડિયો કોલ કરી નકલી દસ્તાવેજો તથા સુપ્રીમ કોર્ટનો ફર્જી સ્ટેમ્પ ધરાવતો ઓર્ડર પણ બતાવ્યો હતો. વિશ્વાસમાં લઈ પીડિત પાસેથી કુલ ₹1,11,11,111 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે ટેક્નિકલ તપાસના આધારે સુરત અને કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મુકેશ અનંતભાઈ પોલેકર, જય જમાનભાઈ રાંક, રોહિતકુમાર, નિતેશભાઈ મુન્જાણી અને નિર્મલ નિતિનભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ કમિશન પર પૈસા ઉપાડતા અને ‘સની’ નામના શખ્સ મારફતે રકમ દુબઈ મોકલવામાં આવતી હતી. આ કેસમાં આશીષ પટેલ, સની અને હર્ષિલ નામના ત્રણ અન્ય આરોપી ફરાર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે અત્યાર સુધી ₹20,94,991 રકમ હોલ્ડ કરાવી છે અને પીડિતને પરત અપાવવાની પ્રક્રિયા ચાલુ છે.

કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા “ડિજિટલ અરેસ્ટ” કરતી નથી. કોઈ અધિકારી ફોન પર OTP કે પાસવર્ડ માંગતો નથી. “સેફ એકાઉન્ટ”માં પૈસા ટ્રાન્સફર કરવા કહેવું 100% ઠગાઈ છે. આવા કેસમાં તરત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande