
દેહરાદૂન, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર રવિવારે માં ગંગાના જયઘોષ વચ્ચે ગંગોત્રી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા. દ્વાર ઉદઘાટનના સાક્ષી બનેલા સેંકડો લોકોએ, મંદિરમાં અખંડ જ્યોતિના દર્શન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું કે, રવિવારે સવારે 7 વાગ્યે ભૈરવ ઘાટી સ્થિત પ્રાચીન ભૈરવ મંદિરથી મા ગંગાની ડોલી યાત્રા ગંગોત્રી ધામ માટે રવાના થઈ. ગંગોત્રી મુખ્ય દ્વારથી મંદિર સુધી આર્મીના પાઇપ બેન્ડ અને પરંપરાગત ઢોલ-દમઉં તેમજ રણશિંગાના સૂર પર ઝૂમતા શ્રદ્ધાળુઓ વચ્ચે માં ગંગાની ડોલી યાત્રા 9 વાગ્યે પોતાના ધામ ગંગોત્રી પહોંચી. જ્યાં ડોલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે તીર્થ પુરોહિતો અને યાત્રાના વેપારીઓએ ગંગાજીની ડોલી પર ફૂલોનો વરસાદ કર્યો. ત્યારબાદ અહીં ગંગા પૂજન, ગંગા સહસ્ત્રનામ, ગંગા લહેરી, શ્રીસુક્ત વગેરેના પાઠની સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું. ત્યારબાદ 12 વાગ્યે 15 મિનિટે ગંગોત્રી મંદિરના દ્વાર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા. જે બાદ સેંકડો શ્રદ્ધાળુઓ મંદિરની અંદર પ્રજ્વલિત અખંડ જ્યોતિના સાક્ષી બન્યા. મંદિરના દ્વાર ખુલવાની સાથે જ ગંગાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટવા લાગી. હજારો શ્રદ્ધાળુઓએ અક્ષય તૃતીયા પર ગંગામાં ડૂબકી લગાવવાની સાથે જ ગંગોત્રી ધામમાં દાન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, આ પ્રસંગે ધામ પહોંચ્યા અને પૂજામાં ભાગ લીધો. પ્રથમ પૂજા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સંપન્ન કરવામાં આવી. આ સાથે જ ચારધામ યાત્રા 2026નો ઔપચારિક પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધા, સુરક્ષા અને આરોગ્ય સેવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે જ પ્લાસ્ટિક મુક્ત યાત્રાના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે ગંગોત્રીના ધારાસભ્ય સુરેશ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય વિજયપાલ સજવાણ, જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્ય, પોલીસ વડા કમલેશ ઉપાધ્યાય, ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ ધર્માનંદ સેમવાલ, સચિવ સુરેશ સેમવાલ, બ્લોક પ્રમુખ મમતા પંવાર, કિશોર ભટ્ટ, અરુણ કુમાર, રાજેશ સેમવાલ સહિત આશરે 2000 શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વિનોદ પોખરિયાલ / ડૉ. રાજેશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ