સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવારિક ઝઘડામાં જમાઈએ સાસુને સળગાવી મોતને ઘાટ ઉતારી, આરોપી ઝડપાયો
સુરત, 19 એપ્રિલ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવારિક વિવાદે ભયાનક રૂપ ધારણ કર્યું, જ્યાં સાળીની સગાઈ મુદ્દે થયેલા ઝઘડામાં જમાઈએ પોતાની સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દીધા હતા. આ ઘટના 15 એપ્રિલ 2026ની સવારે બની હતી, જ્યારે વૃદ્ધ
Arrest


સુરત, 19 એપ્રિલ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવારિક વિવાદે ભયાનક રૂપ ધારણ કર્યું, જ્યાં સાળીની સગાઈ મુદ્દે થયેલા ઝઘડામાં જમાઈએ પોતાની સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દીધા હતા. આ ઘટના 15 એપ્રિલ 2026ની સવારે બની હતી, જ્યારે વૃદ્ધા રત્નાબેન સોનવણે પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા. આરોપી મનોહર મહાજન પૂર્વ તૈયારી સાથે સ્થળ પર આવ્યો હતો અને હુમલો કર્યો હતો.

આકસ્મિક ગુસ્સો નહીં પરંતુ આયોજનબદ્ધ કૃત્ય તરીકે સામે આવેલી આ ઘટનામાં, મનોહરે સાસુ પર પેટ્રોલ જેવી પ્રવાહી છાંટીને સળગતા લાકડાથી આગ લગાવી દીધી હતી. રત્નાબેન આગમાં ઘેરાઈ જતા આસપાસના લોકો દોડીને આવ્યા હતા. બચાવ કરવા આવેલા પરિવારજનોમાંથી હરીશ પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તે સદભાગ્યે બચી ગયો હતો.

ગંભીર રીતે દાઝેલી રત્નાબેનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. શરૂઆતમાં પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મોત બાદ કેસમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.

ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના શિર્દી ભાગી ગયો હતો, પરંતુ પોલીસની સતત દેખરેખ અને ટેકનિકલ તપાસના આધારે તેને સુરત પરત ફરતા જ ભેસ્તાન વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘરેલુ વિવાદ માટે સાસુને જવાબદાર માનતો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande