


વલસાડ , 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વલસાડ જિલ્લાના સેગવા તથા સુરત જિલ્લાના ચલથાણ ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભાઓમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે રાજ્યમાં વિપક્ષ પાસે પૂરતા ઉમેદવારો પણ નથી અને ભાજપે 720થી વધુ બેઠકો પર બિનહરીફ વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે.
તેમણે ઉમેર્યું કે ભારે ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની વિકાસ પ્રત્યેની જનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિપક્ષ મતદારોનો મિજાજ સમજી ચૂક્યો છે અને તેમની પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી.
હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે તેઓએ મહિલાઓને સંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું અટકાવીને મોટું પાપ કર્યું છે.
“ગુજરાતની માતાઓ-બહેનો આવા મહિલા વિરોધી તત્વોને ઓળખી ગઈ છે,” તેમ તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નળ સે જળ’ યોજના દ્વારા ગામડાઓમાં ઘરેઘરે પાણી પહોંચાડાયું છે, જ્યારે કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને દર વર્ષે સીધી આર્થિક સહાય મળી રહી છે. ભાજપ સરકારે યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વલસાડની જનતા વિપક્ષના પ્રલોભનોમાં નહીં આવે અને વિકાસની યાત્રામાં અડીખમ રહી ભાજપાને વિજયી બનાવશે.
આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, ભાજપા પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha