
સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોના વધતા પ્રવાહને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે. ખાસ કરીને 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાંદેર વિસ્તારમાંથી એક યુવકને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ઝઘડિયા ચોકડી નજીક એક યુવક શંકાસ્પદ રીતે ઉભો રહી હથિયાર સાથે કોઈની રાહ જોઈ રહ્યો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં નજર રાખી અને યોગ્ય સમયે તેને ઘેરી પકડી લીધો. તપાસ દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
પકડાયેલા યુવક આર્યન વાઘે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પિસ્ટલ તેની પોતાની નહોતી. તે તેના મિત્ર નિકુંજે લગભગ સાત મહિના પહેલા તેને સાચવવા આપી હતી. નિકુંજએ થોડા સમયમાં પાછી લઈ જવાની વાત કરી હતી, પરંતુ ત્યારથી તે ગાયબ થઈ ગયો હતો. આ કારણે અને પૈસાની તંગીને લીધે આર્યન આ હથિયાર વેચવા નીકળ્યો હતો.
પોલીસ હવે નિકુંજની શોધખોળ શરૂ કરી છે અને હથિયારના સ્ત્રોત વિશે પણ તપાસ કરી રહી છે. આ સાથે જ પોલીસએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી પહેલા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં. આરોપી સામે આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે