
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કેનાલમાં ન્હાવા ઉતરેલા 14 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને ગામમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાકેશ વાઘેલા નામનો 14 વર્ષીય કિશોર લાખાવાડ ગામ નજીકથી પસાર થતી કેનાલ પાસે ગયો હતો. ગરમીના દિવસોને કારણે તે ઠંડક મેળવવા માટે કેનાલના પાણીમાં ન્હાવા ઉતર્યો હતો. પરંતુ ન્હાવા દરમિયાન અચાનક પાણીના જોરદાર વહેણમાં ફસાઈ જતાં તે ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો અને ડૂબી ગયો હતો.
કિશોર લાંબા સમય સુધી બહાર ન આવતાં આસપાસના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તરત જ ગામજનોને જાણ કરી અને તંત્રને પણ માહિતી આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તેમજ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
તરવૈયાઓ દ્વારા કિશોરની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અનેક કલાકોની ભારે મહેનત બાદ આખરે કિશોરનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
કિશોરના અચાનક અને કરુણ મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ ઘટનાની વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT