ગૌસેવામાં અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગરનો અનોખો પ્રયત્ન: 600થી વધુ ગાયોને 5100 કિલો શાકભાજી-ફળનું અર્પણ
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા માનવ સેવા અને જીવદયા તરફ એક વધુ સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ભાવનગરના કુંભારવાડા તથા કામધેનુ ગૌશાળા ખાતે 600થી વધુ ગાયોને
સેવા


ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા માનવ સેવા અને જીવદયા તરફ એક વધુ સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ભાવનગરના કુંભારવાડા તથા કામધેનુ ગૌશાળા ખાતે 600થી વધુ ગાયોને આશરે 2900 કિલો શાકભાજી અને 2200 કિલો ફળ અર્પણ કરવામાં આવ્યા હતા. ગૌસેવા અને જીવદયા પ્રત્યેની લાગણી દર્શાવતો આ ઉપક્રમ સ્થાનિક સ્તરે પ્રશંસનીય બની રહ્યો છે.

આ સેવા કાર્ય દરમિયાન ગાયો માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરી તેમને શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દ્વારા પૂરતી મહેનત અને આયોજન સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવીતાબેન જયંતિલાલ છગનલાલ કોઠારી પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો, જેના કારણે આ સેવા કાર્યને વધુ વ્યાપક બનાવવામાં મદદ મળી.

અર્હમ ગ્રુપ દ્વારા માત્ર ગૌસેવા જ નહીં પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં માનવ સેવા માટે પણ અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા દરરોજ સેકંડો લોકો તાજી અને શીતળ છાસ મેળવી પોતાની તરસ છીપાવી રહ્યા છે.

આગામી દિવસોમાં આ છાસ વિતરણ સેવા વધુ વિસ્તારોમાં શરૂ થવાની યોજના છે, જેથી વધુમાં વધુ લોકો સુધી રાહત પહોંચાડી શકાય. અર્હમ યુવા સેવા ગ્રુપનો આ પ્રયાસ સમાજમાં સેવા, સહાનુભૂતિ અને પરોપકારના મૂલ્યોને મજબૂત બનાવે છે અને અન્ય સંસ્થાઓને પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande