
પાટણ, 20 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસની જાહેર સભામાં કેટલાક નામચીન બુટલેગરો સ્ટેજ પર આવ્યા અને જાહેરમાં પોતાના દારૂના ધંધાની કબૂલાત કરી, જેના કારણે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.
આ ઘટના ચાણસ્મા વિધાનસભા હેઠળ આવતી મોકા જિલ્લા પંચાયત બેઠકના પ્રચાર દરમિયાન બની હતી. કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં યોજાયેલી સભામાં ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ આ શખ્સોએ માઈક સંભાળીને મતદારોને સંબોધ્યા અને પોતાનો ગુનો સ્વીકારતા કહ્યું કે હવે તેઓ આ ધંધો બંધ કરશે.
આ વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર અને રાજકીય રણનીતિ પર સવાલો ઊભા થયા છે. લોકો પૂછે છે કે આ બુટલેગરો સામે અગાઉ કાર્યવાહી કેમ ન થઈ અને આવા લોકોને રાજકીય મંચ કેમ અપાયો? વિરોધ પક્ષો અને નાગરિકો આ ઘટનાને લોકશાહી માટે ખતરનાક ગણાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ