
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર આવેલા જોખમી વળાંક નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક કાર અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થતાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વળાંક નજીક ઝડપ વધુ હોવાને કારણે બંને વાહનો વચ્ચે અથડામણ થઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાને કારણે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવની જાણ થતા જ પાળીયાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે જ પોલીસે અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ અતિઝડપ અને વળાંક પર યોગ્ય નિયંત્રણ ન રહેવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં માર્ગ સલામતી અંગે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. લોકો દ્વારા આ માર્ગ પર યોગ્ય ચેતવણી બોર્ડ, સ્પીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે. પોલીસે પણ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT