રાઇટ ટુ એજ્યુકેશન અને ફૂડ એક્ટ છતાં વંચિત બાળકો—વાપીમાં સિસ્ટમ પર ઉઠ્યા સવાલ
વાપી , 20 એપ્રિલ (હિ.સ.) ભારતીય સંવિધાન દેશના દરેક નાગરિકને સમાન હક્કો આપે છે, જેમાં શિક્ષણ અને જીવન જરૂરિયાતો સંબંધિત હક્કો પણ સામેલ છે. સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (2009) અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (2013) જેવા કાયદાઓ અમલમાં મુકાયા છે,
પ્રતિકાત્મક તસ્વીર


વાપી , 20 એપ્રિલ (હિ.સ.) ભારતીય સંવિધાન દેશના દરેક નાગરિકને સમાન હક્કો આપે છે, જેમાં શિક્ષણ અને જીવન જરૂરિયાતો સંબંધિત હક્કો પણ સામેલ છે. સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (2009) અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (2013) જેવા કાયદાઓ અમલમાં મુકાયા છે, જેથી ગરીબ અને નબળા વર્ગના લોકોને મફત શિક્ષણ અને પૂરતું ભોજન મળી રહે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કાયદાઓનો લાભ હજુ સુધી સમાજના સૌથી નબળા વર્ગ—ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો—સુધી પહોંચ્યો નથી.

વાપી શહેરમાં ટ્રાફિક સિગ્નલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને હાઇવે બ્રિજ નીચે રહેતા અનેક બાળકો આજે પણ ભિક્ષા માંગવા મજબૂર છે. આ બાળકો પાસે કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજો ન હોવાના કારણે તેઓને શાળામાં પ્રવેશ મળતો નથી અને સરકારની યોજનાઓનો લાભ પણ નથી મળતો.

મુખ્ય સમસ્યા એ છે કે આ પરિવારો પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર કે બેંક એકાઉન્ટ જેવા જરૂરી દસ્તાવેજો નથી. નિવાસ પુરાવા ના હોવાના કારણે તેઓ સરકારી સિસ્ટમથી સંપૂર્ણપણે બહાર રહી જાય છે. પરિણામે બાળકો શિક્ષણ અને પોષણ બંનેથી વંચિત રહે છે.

સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર, કેટલાક નેતાઓ અને એનજીઓના સંચાલકો દ્વારા આ યોજનાઓનો યોગ્ય અમલ થતો નથી. CSR હેઠળ આવતી રકમ પણ જરૂરિયાતમંદ સુધી પહોંચતી નથી, જેના કારણે સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે.

એક અંદાજ મુજબ, વલસાડ જિલ્લામાં લગભગ 800 જેટલા બાળકો આજે પણ શિક્ષણ અને પૂરતા ભોજનથી વંચિત છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે ફૂટપાથ પર રહેતા બાળકોને બિન-દસ્તાવેજી આધાર પર શાળામાં પ્રવેશ આપવામાં આવે અને શાળામાં જ તેમના માટે મફત ભોજન તેમજ જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ ભ્રષ્ટાચાર કરતા એનજીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.

હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ આ ગંભીર મુદ્દે કેટલું ઝડપી અને અસરકારક પગલું ભરે છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો આવા કાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande