
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). ભારત અને દક્ષિણ કોરિયાએ તેમના વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) ને અપગ્રેડ કરવા માટે મંત્રણા શરૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણય વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ અને વ્યાપારિક અવરોધો વચ્ચે બંને દેશોના આર્થિક સહયોગને નવી દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ વચ્ચે, સોમવારે હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી દ્વિપક્ષીય વાર્તાલાપ પછી આ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતી પત્રો (એમઓયુ) અને અન્ય મહત્વપૂર્ણ કરારોનું આદાન-પ્રદાન પણ થયું હતું.
હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ચિપ્સથી લઈને શિપ્સ, ટેલેન્ટથી લઈને ટેકનોલોજી, એન્ટરટેઈનમેન્ટથી લઈને એનર્જી—ભારત અને કોરિયા મળીને સહયોગની નવી તકોને સાકાર કરશે.” તેમણે આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે “મહત્વપૂર્ણ વળાંક” ગણાવતા કહ્યું કે, બંને દેશો પોતાની ભાગીદારીને એક “ભવિષ્ય લક્ષી” દિશામાં લઈ જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલમાં આશરે 27 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જેને વર્ષ 2030 સુધીમાં વધારીને 50 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે બંને દેશોએ અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવા પર સહમતિ દર્શાવી છે, જેમાં “ભારત-કોરિયા નાણાકીય મંચ” ની સ્થાપના પણ સામેલ છે.
ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા માટે “ઈન્ડિયા-કોરિયા ડિજિટલ બ્રિજ” પહેલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને કોરિયા વચ્ચે હજારો વર્ષ જૂના ઐતિહાસિક સંબંધો છે. તેમણે અયોધ્યાની રાજકુમારી સુરીરત્ના અને કોરિયાના રાજા કિમ-સુરોની કથાનો ઉલ્લેખ કરતા તેને સમાન સાંસ્કૃતિક વારસાનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારતમાં કોરિયન પોપ કલ્ચર અને ધારાવાહિકોની લોકપ્રિયતા વધી રહી છે, જ્યારે કોરિયામાં ભારતીય સિનેમા અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. બંને દેશોએ વર્ષ 2028 માં “ભારત-કોરિયા મૈત્રી મહોત્સવ” આયોજિત કરવાની પણ જાહેરાત કરી, જેનાથી સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધુ વેગ મળશે.
વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વર્તમાન સમયમાં વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે. તેમણે કહ્યું કે, ભારત અને કોરિયા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સમાન દૃષ્ટિકોણ ધરાવે છે અને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા તથા સર્વસમાવેશક વિકાસ માટે મળીને કામ કરશે.
આ પ્રસંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે કહ્યું કે, બંને દેશોનું લક્ષ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે. તેમણે એ પણ જણાવ્યું કે, બંને નેતાઓએ મધ્ય પૂર્વની સ્થિતિ પર ચર્ચા કરી અને તે વાત પર સહમતિ વ્યક્ત કરી કે ત્યાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા માટે આવશ્યક છે. રાષ્ટ્રપતિ લીએ માહિતી આપી કે, બંને દેશો વચ્ચે ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ્સને જોડવા માટે એક સમજૂતી થઈ છે, જેનાથી બંને દેશોના નાગરિકો એકબીજાના દેશની મુલાકાત દરમિયાન સ્થાનિક ક્યુ્આર કોડ દ્વારા ચુકવણી કરી શકશે.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ વધારવા અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સમન્વિત પ્રયાસો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ