
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના આદિપુર વિસ્તારમાં પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ વધારવા માટે ચલાવવામાં આવતા “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે ગુમ થયેલી સોનાની ચેઈન શોધી કાઢી અને તેને મૂળ માલિકને પરત સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉચ્ચ અધિકારીઓ જેમ કે બોર્ડર રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પોલીસ અને પ્રજાના સંબંધોને મજબૂત બનાવવા તેમજ લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે આવા જનહિતના કાર્યો કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સતત કાર્યરત છે.
આ જ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા ના માર્ગદર્શન હેઠળ ૮૦ બજાર પોલીસ ચોકીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ કનુભા કે. ગઢવી અને તેમની ટીમે એક અરજદાર દ્વારા ગુમ થયેલી સોનાની ચેઈન અંગે નોંધાયેલી અરજીને ગંભીરતાથી લીધી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારી અંતે ગુમ થયેલી ચેઈન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવી.
પછી અરજદાર ને ૮૦ બજાર પોલીસ ચોકી ખાતે બોલાવી “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત તેમની ચેઈન સોંપવામાં આવી હતી. પોતાની ગુમ થયેલી કિંમતી વસ્તુ પાછી મળતા અરજદાર એ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ કનુભા કે. ગઢવી સાથે, પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ સોરઠીયા અને હોમગાર્ડ દિલીપભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આદિપુર પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલ વસ્તુ પરત આપવાનો દાખલો જ નથી, પરંતુ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારતી અને સમાજમાં સુરક્ષા તથા સહકારની ભાવના મજબૂત બનાવતી એક પ્રેરણાદાયી ઘટના બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar