
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલો અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં વૉન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. રાજસ્થાન રાજ્યમાં ૩૭થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ આ કુખ્યાત આરોપી છેલ્લા છ વર્ષથી ફરાર રહ્યો હતો. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ માહિતીના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ-ભુજ) તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.વી. ગોજીયાની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનીલ ઉર્ફે શ્રવણ ગુદડરામ સાંખલા (વય ૪૦, રહે: પીપાડ, જીલ્લો જોધપુર, રાજસ્થાન) છેલ્લા છ વર્ષથી ફરાર હતો. પોલીસ દ્વારા સતત ટેકનિકલ મોનીટરીંગ અને ગુપ્ત માહિતી એકત્રિત કરતા જાણવા મળ્યું કે આરોપી રાજસ્થાનના પીપાડ શહેરમાં છુપાયો છે.
આ માહિતીના આધારે ગાંધીધામ પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી અને ચુસ્ત આયોજન સાથે આરોપીને ઝડપી પાડ્યો. તેને ગાંધીધામ લાવી પૂછપરછ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આરોપી વિરુદ્ધ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, ઠગાઈ, NDPS એક્ટ સહિતના કુલ ૩૭થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લેતા તે એક હાર્ડકોર અને આદતી ગુનેગાર હોવાનું સ્પષ્ટ થાય છે.
આ સમગ્ર ઓપરેશન ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા તેમજ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. પોલીસની આ કામગીરીને કારણે લાંબા સમયથી વૉન્ટેડ ગુનેગારને કાયદાની જાળમાં લાવવામાં મોટી સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar