
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી બદલાતી રાજદ્વારી પરિસ્થિતિ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ નિમણૂકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. વિશ્વસનીય સૂત્રોના અનુસંધાને ભાજપના વરિષ્ઠ નેતા અને મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઇ કમિશનર તરીકે મોકલવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ બાબતે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં આ સમાચાર રાજકીય અને રાજદ્વારી સ્તરે વિશેષ મહત્વ ધરાવે છે.
દિનેશ ત્રિવેદી ભારતીય રાજકારણમાં લાંબા સમયથી સક્રિય અને અનુભવી નેતા તરીકે જાણીતા છે. તેમણે કેન્દ્ર સરકારમાં રેલવે મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે, જ્યાં તેઓ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 2021માં તેમણે તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને નવી રાજકીય દિશા અપનાવી હતી. તેમ છતાં, તેમની મૂળ ઓળખ કચ્છ જિલ્લાના વતની તરીકેની છે, જેને કારણે કચ્છ માટે આ ગૌરવની બાબત બની શકે છે.
હાલમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતના હાઇ કમિશનર તરીકે કાર્યરત પ્રણય વર્માને તાજેતરમાં બેલ્જિયમ અને યુરોપિયન યુનિયન માટે ભારતના રાજદૂત તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. તેઓએ સપ્ટેમ્બર 2022માં ઢાકામાં પોતાનું કાર્યભાર સંભાળ્યું હતું અને હવે તેમની જગ્યાએ નવા પ્રતિનિધિની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.
બાંગ્લાદેશમાં તાજેતરમાં રાજકીય દ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ નવી સરકાર ફેબ્રુઆરી મહિનામાં સત્તામાં આવી છે. આ પહેલાં મહંમદ યુનુસના નેતૃત્વ હેઠળની આંતરિમ સરકાર અને ત્યારબાદ શેખ હસીનાની સરકારના પતન પછી ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ સર્જાયો હતો. આ પરિસ્થિતિમાં બંને દેશો માટે સંબંધોને ફરી મજબૂત બનાવવું એક મહત્વપૂર્ણ પડકાર બની ગયો છે.
તાજેતરમાં બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખાલ્લૂર રહેમાન એ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, જે નવી સરકાર તરફથી ભારત સાથેના સંબંધોને સુધારવા માટેનું પહેલું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ સાથે રચનાત્મક અને સહયોગી સંબંધોને આગળ વધારવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાઓમાં આગામી સમયમાં સહકારના નવા માર્ગો શોધવા પર ભાર મૂકાયો હતો.
આ સમગ્ર પરિસ્થિતિમાં દિનેશ ત્રિવેદી જેવા અનુભવી અને રાજકીય રીતે પારંગત નેતાને ઢાકામાં મોકલવાની ચર્ચા એ દર્શાવે છે કે, ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને નવી દિશા આપવા માટે ગંભીર પ્રયાસ કરી રહ્યું છે. જો તેમની નિમણૂક સત્તાવાર રીતે જાહેર થાય છે, તો તે માત્ર રાજદ્વારી દ્રષ્ટિએ જ નહીં પરંતુ કચ્છ જિલ્લાના ગૌરવ માટે પણ મહત્વપૂર્ણ ક્ષણ બની રહેશે.
હાલ તમામ નજરો સત્તાવાર જાહેરાત પર ટકેલી છે, પરંતુ કચ્છના વતની દિનેશ ત્રિવેદીનું નામ આ મહત્વપૂર્ણ પદ માટે આગળ આવવું એ ગુજરાત અને ખાસ કરીને કચ્છ માટે ગર્વની વાત તરીકે જોવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar