કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જોરદાર માહોલ: ઈવીએમ કમીશનિંગથી લઈ સ્ટાફ તાલીમ સુધી તંત્ર એક્શનમાં
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર ચુસ્ત તૈયારીમાં લાગી ગયું છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી દરેક તબક્કે ઝડપી ગતિએ
Kut 1


કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર ચુસ્ત તૈયારીમાં લાગી ગયું છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી દરેક તબક્કે ઝડપી ગતિએ કામગીરી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને સંપૂર્ણ રીતે સજ્જ કરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે.

જિલ્લામાં કુલ 1896 મતદાન મથકો માટે અંદાજે 4000 જેટલા ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાથી જ ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ કરીને આ મશીનોને તાલુકા કક્ષાએ મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં દરેક ઈવીએમમાં ઉમેદવારોના નામ, ચૂંટણી પ્રતીક અને ફોટોગ્રાફ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ મોકપોલ કરીને મશીનોની કાર્યક્ષમતા ચકાસવામાં આવી રહી છે, જેથી મતદાનના દિવસે કોઈ પ્રકારની ખામી ન રહે.

આ સમગ્ર કમીશનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમને પીંક પેપર સીલ સાથે સુરક્ષિત રીતે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા સ્તરે ચાલી રહેલી આ કામગીરી મંગળવાર સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ મતદાનના એક દિવસ પહેલા રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ઈવીએમના કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને નિર્ધારિત મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવશે.

ચૂંટણીને સફળતાપૂર્વક પાર પાડવા માટે માનવ સંસાધનોની પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં આશરે 10,000 જેટલા પોલિંગ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મળે તે માટે તાલીમ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. તાલીમમાં મતદાનની પ્રક્રિયા, ઈવીએમ સંચાલન અને આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ સાથે મતદાન મથકો સુધી જરૂરી ચૂંટણીલક્ષી સામગ્રી પહોંચાડવાની કામગીરીને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે મતદારોને સરળ, સુરક્ષિત અને પારદર્શક મતદાનનો અનુભવ મળે.આ રીતે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે અને હવે મતદાન દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande