કાળઝાળ ગરમીમાં આરોગ્ય વિભાગ સતર્ક: મિરઝાપર-2 ખાતે ખાદ્ય ચકાસણી અભિયાન તેજ
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ખોરાકી ઝેર અને પાણીજન્ય રોગચાળાની શક્યતાઓ વધતી હોવાથી આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. જીલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ મિરઝાપર-૨ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા મિરઝાપ
M 4


M 3


M 2


M 1


કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ખોરાકી ઝેર અને પાણીજન્ય રોગચાળાની શક્યતાઓ વધતી હોવાથી આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. જીલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ મિરઝાપર-૨ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા મિરઝાપર ગામ અને હાઈવે વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની સઘન ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ ચા-નાસ્તાની લારીઓ, ગલ્લા, ઠંડા પીણાંની દુકાનો, શેરડીના રસના સ્ટોલ તેમજ અન્ય ખાદ્ય વેચાણ કરતી જગ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ખોરાકની ગુણવત્તા, પાણીની સ્વચ્છતા અને આસપાસની સાફસફાઈની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ રીતોથી ખોરાક બનાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.

થોડા દિવસો પહેલા ભુજ તાલુકાના લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ લગભગ 100 જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થતા હલચલ મચી હતી. અસરગ્રસ્તોને જી.કે. જનરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સુધરેલી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને હવે આરોગ્ય તંત્ર વધુ સક્રિય બની ગયું છે. મિરઝાપર-૨ વિસ્તાર હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અંકિતભાઈ અને દેવુભા દ્વારા દુકાનો અને લારીઓની મુલાકાત લઈને સ્વચ્છતા અને સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઉનાળાની ગરમીમાં કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે અને લોકો સુરક્ષિત રહે. આવા ચકાસણી અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande