
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : ભુજ તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. ટીમે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો વિરુદ્ધ સફળ કામગીરી કરી એક યુવકને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભુજ તાલુકાના નાના વરનોરા ગામની ઉતરાદી સીમ વિસ્તારમાંથી એક ઇસમ ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી.ને મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમિયાન એસ.ઓ.જી.ના અધિકારીઓ અને સ્ટાફે સતર્કતાપૂર્વક તપાસ હાથ ધરી અને સૈફુન જભાર મમણ (ઉંમર ૨૪, રહે. નાના વરનોરા, તા. ભુજ) ને પકડી પાડ્યો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે માન્ય દસ્તાવેજ ન હોવા છતાં તે દેશી બનાવટની બંદુક રાખતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી એક દેશી બનાવટની બંદુક તેમજ એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ અંદાજિત રૂપિયા ૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને એમ.આર. સકોરીયાના નેતૃત્વમાં ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કરવામાં આવી રહેલી આવી કડક કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar