
કચ્છ, 20 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તે જ દિશામાં પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાંથી થયેલી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી, અંદાજે ₹2.10 લાખની માલમિલ્કત કબ્જે લીધી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં વધતા ચોરીના બનાવો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCBની ટીમે અબડાસા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કોસા ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી આશરે 20 દિવસ પહેલાં રાત્રિના સમયે કોપર કેબલ ચોરી કરવામાં આવી હતી. આ ઘટનામાં ચાર લોકો સંડોવાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરીને ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા, જ્યારે એક આરોપી હાલ ફરાર છે.
પકડાયેલા આરોપીઓમાં હસણ સિદીક મોકરશી (ભદ્રાવાંઢ), ઓસમાણગની જાકબ મંધરા (કોસા) અને સાહિલ અબ્દુલ ગઝણ (કોસા)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી લગભગ 300 કિલો કોપર વાયર મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પવનચક્કી નંબર 289માંથી ચોરી કરવાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) અને 324(4) હેઠળ કેસ નોંધ્યો છે. ઝડપી કાર્યવાહી બાદ આરોપીઓને આગળની તપાસ માટે વાયોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર ઓપરેશનમાં LCBના અધિકારીઓ અને સ્ટાફની ચુસ્ત કામગીરીથી લાંબા સમયથી બાકી રહેલો ગુનો ઉકેલાયો છે, જેનાથી વિસ્તારમાં ચોરીના ગુનાઓ પર લગામ લગાવવામાં મદદ મળશે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે અને વહેલી તકે તેને પણ ઝડપી પાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar