
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના પ્રવાસે જશે, જ્યાં તેઓ બાલોતરાના પચપદરામાં દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 21 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, બાલોતરાના પચપદરામાં ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ અવસરે તેઓ એક જનસભાને પણ સંબોધશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતના ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને રાજસ્થાન સરકારના સંયુક્ત સાહસ તરીકે વિકસિત આ 9 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (એમએમટીપીએ) ક્ષમતાવાળા ગ્રીનફિલ્ડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સની સ્થાપના 79,450 કરોડ રૂપિયાથી વધુના રોકાણથી કરવામાં આવી છે.
આ અત્યાધુનિક કોમ્પ્લેક્સ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનને એકીકૃત કરે છે, જેની પેટ્રોકેમિકલ ક્ષમતા 2.4 એમએમટીપીએ છે. આ રિફાઇનરીનો નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ 17.0 છે અને પેટ્રોકેમિકલ ઉત્પાદન 26 ટકાથી વધુ છે, જે વૈશ્વિક ધોરણોને અનુરૂપ છે.
આ પ્રોજેક્ટ દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવામાં, પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવામાં અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આની સાથે જ તે વિસ્તારમાં પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પાર્કના વિકાસ માટે પાયો તૈયાર કરશે, જેનાથી ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો અને સહાયક ક્ષેત્રોને વેગ મળશે. આ ઉપરાંત, આ રિફાઇનરી મોટા પાયે રોજગારીની તકો ઊભી કરશે અને આ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ