
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં થયેલી ભીષણ બસ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી.
રાષ્ટ્રપતિએ એક્સ પર પોસ્ટ કર્યું, “જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ વિશે જાણીને મને અત્યંત દુઃખ થયું છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે હું શોક-સંવેદના વ્યક્ત કરું છું. હું ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.”
વડાપ્રધાને કહ્યું કે, ઉધમપુરમાં બસ અકસ્માતમાં લોકોના મૃત્યુના સમાચારથી તેઓ અત્યંત દુઃખી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ ( પીએમએનઆરએફ) માંથી 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક પેસેન્જર બસ પહાડી પરથી નીચે ખાબકી હતી, જેના કારણે 16 લોકોના મોત થયા હતા અને અન્ય 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ