
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન ભાવનગર પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બોર તળાવ વિસ્તારના મફતનગર ખાતે રામાપીરના ચોકમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ કેટલાક શખ્સો જાહેર જગ્યાએ ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા હોવાની જાણ થતા તરત જ ટીમ દ્વારા સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે કેટલાક અન્ય લોકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા 26,020નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રોકડ રકમ અને જુગાર રમવા માટે વપરાતા સાધનોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક લોકોમાં પોલીસની આ કાર્યવાહીથી સંતોષની લાગણી જોવા મળી રહી છે. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરતી કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં અને આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં જાગૃતિ ફેલાઈ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સહકાર આપવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT