
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કહેવું છે કે, રેલવે અને રસ્તાઓ માત્ર પરિવહનના સાધનો જ નથી પરંતુ આર્થિક રાષ્ટ્રોનો પાયો છે. પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) નો વિકાસ આર્થિક વિસ્તરણ, સામાજિક સમાવેશ અને રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ સાધન છે. રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય રેલવેના પ્રોબેશનરી અધિકારીઓ અને કેન્દ્રીય એન્જિનિયરિંગ સેવા (સડક) ના સહાયક કાર્યપાલક ઇજનેરો સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ વાત કહી હતી. રાષ્ટ્રપતિને મળવા માટે ભારતીય રેલવેના 2022 અને 2023 ના અધિકારીઓ જ્યારે કેન્દ્રીય એન્જિનિયરિંગ સેવા (સડક) ના 2021, 2022, 2023 અને 2024 બેચના સહાયક કાર્યપાલક ઇજનેરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ આ અધિકારીઓને કહ્યું કે, તેઓ એવા સમયે જાહેર સેવામાં આવ્યા છે જ્યારે દેશ ‘વિકસિત ભારત’ ના સંકલ્પ સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતીય રેલવે અને કેન્દ્રીય એન્જિનિયરિંગ સેવા (સડક) ના યુવા અધિકારીઓ તરીકે તેમના નિર્ણયો અને કાર્યો સીધી રીતે કરોડો નાગરિકોના જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પાયો છે જેના પર આધુનિક રાષ્ટ્રોનું નિર્માણ થાય છે. રેલવે અને હાઈવે માત્ર પરિવહનના સાધનો માત્ર નથી; તેઓ આર્થિક વિસ્તરણ, સામાજિક સમાવેશ અને રાષ્ટ્રીય એકીકરણના માધ્યમો છે. જ્યારે કોઈ ટ્રેન દૂરના ગામડા સુધી પહોંચે છે અથવા કોઈ હાઈવે કોઈ વિસ્તારને જોડે છે, ત્યારે તે ત્યાંના સામાજિક-આર્થિક વિકાસની નવી તકો ખોલે છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટે છે, વેપારને પ્રોત્સાહન મળે છે અને રોકાણ આકર્ષાય છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો કરે છે, વેપારને વેગ આપે છે, રોકાણને આકર્ષે છે અને ઉત્પાદકતા વધારે છે. તે વિવિધ ક્ષેત્રો અને લોકોને એકબીજાની નજીક લાવીને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે. તેમણે અધિકારીઓને સલાહ આપી કે તેઓ યાદ રાખે કે માત્ર આંકડા જ સફળતાને વ્યાખ્યાયિત કરતા નથી. તેમના કામની સાચી કસોટી એ છે કે તે લોકોના જીવનને કેવી રીતે બહેતર બનાવે છે.
તેમણે અધિકારીઓને પ્રામાણિકતા, જવાબદારી અને શ્રેષ્ઠતાના મૂલ્યો અપનાવવાનો આગ્રહ કર્યો હતો. સાથે જ કહ્યું કે, પડકારો અને મુશ્કેલ નિર્ણયો સમયે તેમના મૂલ્યો જ તેમનું માર્ગદર્શન કરશે. તેમણે અધિકારીઓને સતત શીખતા રહેવા, જિજ્ઞાસુ રહેવા અને નવાચારો (ઇનોવેશન) ને પ્રોત્સાહન આપવાની પણ સલાહ આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ માત્ર વહીવટકર્તા નથી, પરંતુ પ્રગતિના વાહક અને જનવિશ્વાસના સંરક્ષક છે, અને તેમના નિર્ણયો દેશના ભવિષ્ય પર લાંબા ગાળાની અસર કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ