
જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં નાગરિકો ઉમેદવારોને ઘેરીને પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના ઉમેદવારોને ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ ન થવાના આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે પ્રજાના રોષનો સામનો વધુ કરવો પડે છે. અનેક સ્થળોએ લોકો ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
શહેરના વોર્ડ નં.10ના ગોમતીપુર સહિતના કેટલાક વિસ્તારોમાં નાગરિકોએ તો મતદાનના બહિષ્કારના બેનરો પણ લગાવ્યા હોવાની માહિતી સામે આવી છે, જે ચૂંટણી માહોલમાં વધુ ગરમાવો ઉમેરે છે.
પરંતુ જ્યાં વિકાસના કામો થયા નથી, તે વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને પાણી, સફાઈ અને ગટર સંબંધિત સમસ્યાઓનો વધુ સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ પ્રચાર દરમિયાન ઉમેદવારોને કડક પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે. આ રીતે પ્રજાના પ્રશ્નો, નારાજગી, સ્વાગત અને વચનો વચ્ચે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર રસપ્રદ તેમજ તીવ્ર બન્યો છે.
વોર્ડ નં.7માં રસ્તાના અધુરા કામ, નળવાટે મળતું ગંદુ પાણી, ગત ટર્મના કોર્પોરેટરની નિષક્રિયતા, વોર્ડ નં.1 અને 2માં પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની અવગણાનાને કારણે ભાજપના ઉમેદવારોને લોકોના પ્રશ્નોનો સામનો કરવો પડયો છે.
વોર્ડ નં.6માં ભુગર્ભ ગટરની સમસ્યા ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારમાં માથાનો દુઃખાવો સાબિત થઇ રહી છે. આવી જ હાલત વોર્ડ નં.11માં છે. વોર્ડ નં.12 અને 16માં ભાજપ માટે કપરા ચઢાણ છે. ખાસ કરીને વોર્ડ નં.12માં આ વખતે પણ ભાજપનું ખાતુ ખુલવાની શકયતા દેખાતી નથી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt