
-નવી દિલ્હીમાં સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલયનું ઉદ્ઘાટન
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે, સંસ્કૃત વાણીને મનુષ્યનું ક્યારેય નાશ ન પામનારું આભૂષણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની પ્રાચીન પરંપરા, જ્ઞાન અને જીવનદ્રષ્ટિની આધારશિલા છે. સંસ્કૃતના માધ્યમથી જ ભારતની સાંસ્કૃતિક વિરાસતને સાચા સ્વરૂપમાં સમજી શકાય છે અને આગળ વધારી શકાય છે. સંઘ પ્રમુખે સોમવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલય ‘પ્રણવ’નું ઉદ્ઘાટન કરતા આ વિચારો વ્યક્ત કર્યા હતા.
અક્ષય તૃતીયાના પ્રાતઃકાળના શુભ મુહૂર્તમાં વિધિવિધાન પૂર્વક કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરતા સંઘના સરસંઘચાલક ડૉ. ભાગવતે તેને અત્યંત શુભ અને પ્રેરણાદાયી ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ દિવસે શરૂ થનારા કાર્યો અક્ષય રહે છે, તેથી આ કાર્યાલય સંસ્કૃતના પ્રસારમાં દીર્ઘકાલીન ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે ‘પ્રણવ’ નામ સૃષ્ટિના મૂળ નાદનું પ્રતીક છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભવન અને સંસાધનો કાર્યને કારણે બને છે, નહીં કે કાર્ય તેમનાથી ચાલે છે. કાર્યકર્તાઓની નિષ્ઠા અને સમર્પણ જ કોઈ પણ સંગઠનની વાસ્તવિક શક્તિ છે. કાર્યાલયનું નિર્માણ એ કાર્યની પ્રગતિનો સંકેત છે, પરંતુ તેને ઉદ્દેશ્ય નહીં પણ સાધન તરીકે જોવું જોઈએ.
તેમણે કહ્યું કે, ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી, પરંતુ એક જીવંત પરંપરા છે. આ પરંપરાને સમજવા અને આગળ વધારવા માટે સંસ્કૃતનું જ્ઞાન અનિવાર્ય છે. સંસ્કૃત ભારતીનું કાર્ય માત્ર ભાષા શીખવવાનું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને સમાજમાં સ્થાપિત કરવાનું છે. સંઘ પ્રમુખે પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે સંસ્કૃતને અઘરી માનવી એ એક ભ્રમ છે. ભાષા શીખવાની સૌથી સરળ રીત સંભાષણ છે. સંસ્કૃત ભારતી દ્વારા ચલાવવામાં આવતા સંભાષણ શિબિરોએ ટૂંકા સમયમાં લોકોમાં સંસ્કૃત પ્રત્યે રુચિ જાગ્રત કરી છે અને આ કાર્યને આગળ પણ વધારવું જોઈએ.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, સંસ્કૃત ભારતની તમામ ભાષાઓને જોડતી કડી છે. દરેક ભારતીય ભાષામાં સંસ્કૃતના શબ્દો વિદ્યમાન છે, જેનાથી આ ભાષા એકતા અને સમન્વયનો આધાર બને છે. સંસ્કૃતનો પ્રસાર અન્ય ભાષાઓને નબળી પાડતો નથી, પરંતુ તેમને સમૃદ્ધ કરે છે. તેમણે કાર્યકર્તાઓ પાસેથી અપેક્ષા વ્યક્ત કરી હતી કે આ કાર્યાલય સંસ્કૃત સંભાષણનું કેન્દ્ર બને, જ્યાં આવનાર દરેક વ્યક્તિ ભાષા શીખવા અને તેની સાથે જોડાવા માટે પ્રેરિત થાય. તેમણે કહ્યું કે, એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે, જેથી વધુને વધુ લોકો સંસ્કૃત સાથે જોડાય અને આ ભાષા ફરીથી જન-જનની ભાષા બની શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકર્તાઓના પ્રયાસોથી સંસ્કૃત ભારતીનું આ કાર્ય નિરંતર વિસ્તરીને પોતાના લક્ષ્યને ચોક્કસપણે પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે અખિલ ભારતીય સંસ્કૃત ભારતીના અધ્યક્ષ પ્રો. રમેશ કુમાર પાંડે અને સંસ્કૃત ભારતી ન્યાસ દિલ્હી પ્રાંતના અધ્યક્ષ પ્રણવ કાંત ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તાવના અખિલ ભારતીય સંગઠન મંત્રી જયપ્રકાશ ગૌતમે રજૂ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ