એસએમસી રેડ બાદ વેપારીને આરોપી બનાવતા વિવાદ: “પુરાવા વિના નામ જોડાયું” – અશ્વિન પટેલ
દમણ , 20 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) અને ગણદેવી પોલીસની સંયુક્ત કાર્યવાહી બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. દમણના ભીમપોરના વેપારી અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્રોહીબીશન કેસમાં તેમનું નામ કોઈપણ પુરા
પ્રતિકાત્મક તસ્વીર


દમણ , 20 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) અને ગણદેવી પોલીસની સંયુક્ત કાર્યવાહી બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. દમણના ભીમપોરના વેપારી અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્રોહીબીશન કેસમાં તેમનું નામ કોઈપણ પુરાવા વિના દાખલ કરવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, 11 એપ્રિલ 2026ના રોજ ભારતમાલા નેશનલ હાઈવે નં. 48 પર ખારેલ ચોકડી નજીક SMC દ્વારા દારૂના જથ્થા અંગે રેડ હાથ ધરવામાં આવી હતી. પોલીસને કેટલાક વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો, જોકે ઘટનાસ્થળેથી ડ્રાઈવરો ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન વાહનો સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં અશ્વિનભાઈ પટેલનું નામ એફઆઈઆરમાં ઉમેરાયું હોવાનું તેઓએ જણાવ્યું છે.

અરજદારના કહેવા મુજબ, ગણદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ખાનગી બાતમીના આધારે નોંધાયો છે અને તેમાં કોઈ પ્રાથમિક તપાસ કે માલિકીની ખાતરી કર્યા વિના જ આરોપી તરીકે તેમનું નામ દાખલ કરવામાં આવ્યું છે.

આ કેસમાં વધુ એક ચોંકાવનારી ઘટના એ છે કે 13 એપ્રિલે પોલીસ અશ્વિનભાઈના નિવાસસ્થાને તેમની ધરપકડ કરવા પહોંચી હતી, જ્યારે તે સમયે તેઓ ઘરે હાજર નહોતા. પોલીસે પરિવારજનોને કેસ અંગે જાણ કરતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અશ્વિનભાઈ પટેલે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2022 બાદ તેમના વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયો નથી. તેમણે આ સમગ્ર ઘટનાને “ગોઠવણ અથવા વ્યક્તિગત વેરઝેર” સાથે જોડીને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.

ન્યાય માટે અશ્વિનભાઈએ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. સાથે જ તેમણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે નાર્કો ટેસ્ટ સહિત કોઈપણ વૈજ્ઞાનિક તપાસ માટે તૈયાર હોવાની પણ તૈયારી દર્શાવી છે.

આ મામલો હવે માત્ર એક કેસ ન રહી, પરંતુ પોલીસની કામગીરી અને પ્રક્રિયાની પારદર્શિતા અંગે ચર્ચાનો વિષય બની ગયો છે. આગામી દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે, તે મહત્વપૂર્ણ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande