
ભાવનગર,20 એપ્રિલ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નજીક એક દુઃખદ અકસ્માતમાં યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, તળાજા નજીકના દેવળીયા ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે રત્નકલાકાર તરીકે કામ કરતા ધનજીભાઈ રામજીભાઈ વાઢેર (ઉંમર 32)નું બાઇક અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
માહિતી અનુસાર, ધનજીભાઈ પોતાના પરિવાર સાથે નજીકના ઘાણા ગામે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની પત્ની મંજુલાબેન અને દીકરા સાથે બાઇક પર સવાર થઈ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર બાઇક અચાનક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ધનજીભાઈને માથાના અંદરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ભારે ઇજાઓને કારણે ધનજીભાઈને બચાવી શકાયા નહોતાં અને તેમનું મોત નીપજ્યું હતું.
ધનજીભાઈની પત્ની મંજુલાબેનને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે, જેમનું પિયર નજીકના પીપરલા ગામે છે. તેમના પિતા વાલજીભાઈ ગળચર હોવાનું હોસ્પિટલ ખાતે મદદ માટે પહોંચેલા લોકોએ જણાવ્યું હતું. હાલ મંજુલાબેનની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાએ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગામમાં પણ આ બનાવને લઈ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે ધનજીભાઈ મહેનતુ અને સૌમ્ય સ્વભાવના યુવાન તરીકે ઓળખાતા હતા.પોલીસ દ્વારા સમગ્ર મામલે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર માર્ગ સલામતી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT