
સુરત, 20 એપ્રિલ (હિ.સ.)-પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અનોખી વ્યૂહરચના અપનાવી છે, જેમાં હજારો કિલોમીટર દૂર સુરતથી બંગાળી મતદારોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી 1300થી વધુ મતદારો “વોટર સ્પેશિયલ” ટ્રેનમાં સવાર થઈ પશ્ચિમ બંગાળ માટે રવાના થયા હતા. સ્ટેશન પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મુસાફરો તિરંગા સાથે “વંદે માતરમ” અને “જય શ્રીરામ”ના નારા લગાવતા નજરે પડ્યા હતા.
ભાજપ અને સુરત બંગાળી સમાજ દ્વારા આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે, જેના માધ્યમથી આશરે 5000 જેટલા મતદારોને મફતમાં કોલકાતા પહોંચાડવામાં આવશે. પ્રથમ ટ્રેન રવાના થઈ ચૂકી છે, જ્યારે બીજી ટ્રેન 24 એપ્રિલે સુરતથી નીકળશે.
સુરત બંગાળી સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતે જણાવ્યું હતું કે, આ પહેલ “પરિવર્તન યાત્રા”નો ભાગ છે અને તેનો હેતુ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન લાવવાનો છે. તેમણે ઉમેર્યું કે સુરતથી જતા લોકો માત્ર મુસાફરો નથી, પરંતુ મતદારો છે, જે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જે મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરે છે. મોંઘી ટિકિટ અને ભીડના કારણે તેઓ સામાન્ય રીતે મતદાન માટે જઈ શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપે આ આયોજન કર્યું છે. પાર્ટીને આશા છે કે, આ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બંગાળની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે