
સુરત, 20 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં મોડીરાત્રે કાપોદ્રા બ્રિજ પરથી એક આશરે 25 વર્ષીય યુવકે તાપી નદીમાં કૂદીને જીવન અંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોની સતર્કતાને કારણે તંત્રને સમયસર જાણ થઈ અને તરત જ રાહત કામગીરી શરૂ થઈ ગઈ હતી.
બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓએ યુવકને નદીમાં કૂદતા જોઈ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમો જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જવાનો દ્વારા નદીના પ્રવાહમાં સંઘર્ષ કરી યુવક સુધી પહોંચીને સફળતાપૂર્વક તેને બચાવી લેવાયો હતો.
રેસ્ક્યુ બાદ યુવકને સલામત રીતે બહાર કાઢીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલમાં યુવકની ઓળખ અને તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે