
સુરત, 20 એપ્રિલ (હિ.સ.): સુરતમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા “યુવા ચોપાલ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ તેમજ વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવા ઇન્ફ્લુએન્સર્સ, ઉદ્યોગસાહસિકો અને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો સાથે સીધો સંવાદ યોજાયો હતો. યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા અને નેતાઓએ તેમની વાતોને ધ્યાનથી સાંભળી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજનો સમય યુવાનોનો છે અને સરકાર તેમના સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહી છે। તેમણે કહ્યું કે યુવાઓ અને મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.
વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સરકારના સારા કામોને અવગણીને નાની ખામીઓને વધુ ઉછાળવામાં આવે છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે જેમ ઘરમાં નાની સમસ્યાઓ થતી હોય છે, તેમ સરકારના કામોમાં પણ ક્યારેક ખામીઓ રહેતી હોય છે, પરંતુ તેને ઝડપથી સુધારી લેવામાં આવે છે.
મહિલા સુરક્ષા અંગે તેમણે જણાવ્યું કે પોલીસની ક્વિક રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક મદદ મળી શકે.
ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તેમણે કહ્યું કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યવસ્થા સુધારવામાં આવશે.
ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું કે સરકાર યુવાનો અને મહિલાઓને વધુ તકો મળે તે માટે સતત પ્રયત્નશીલ છે। તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.
આ કાર્યક્રમમાં અન્ય ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે