
વલસાડ, 21 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં બનાવટી નામ-સરનામા અને ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કરવામાં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને મોટી સફળતા મળી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિર સિંહ ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના નિર્દેશનમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં ટીમે ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, બે અરજદારો દ્વારા પાસપોર્ટ ઓફિસ સુરત ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરી પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પ્રાથમિક તપાસમાં ગુન્હાહિત પ્રવૃત્તિ બહાર આવતા વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ કેસની વધુ તપાસ પો.સ.ઈ. એસ.આર. સુસલાદેને સોંપવામાં આવી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં(૧) પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ (ઉ.વ. 36 )(૨) ભાવિક રાયચંદ પટેલ (ઉ.વ. 29)બન્ને રહેવાસી મગરવાડા, મોટી દમણનો સમાવેશ થાય છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ “UK-21” વિઝાનો લાભ મેળવવા માટે દમણ સ્થિત એજન્ટોની મદદથી બનાવટી દસ્તાવેજો બનાવી સુરત પાસપોર્ટ કચેરીમાં અરજી કર્યાની કબુલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 35,000 કિંમતના બે મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. આરોપી પ્રજ્ઞેશ પટેલ સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વલસાડની ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય એજન્ટો સુધી પહોંચવા પ્રયાસો ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha