
સુરત, 21 એપ્રિલ (હિ.સ.): JEE Mains 2026ના બીજા અને અંતિમ સેશનનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજકોટના નિમય પુરોહિતે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 100 પર્સેન્ટાઈલ મેળવીને સમગ્ર દેશમાં 16મો રેન્ક હાંસલ કર્યો છે. પહેલા સેશનમાં પણ તે ગુજરાતમાં ટોચ પર હતો, અને હવે ફરીથી તેની સફળતા પુનરાવર્તિત થઈ છે. બીજી તરફ, સુરતના શૌર્ય ખેમકાએ પણ શાનદાર પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયામાં 179મો ક્રમ મેળવ્યો છે.
નિમય પુરોહિતના માતા-પિતા બંને ફિઝિયોથેરાપિસ્ટ છે, છતાં તેણે એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું. તેને બાળપણથી જ ગણિત વિષયમાં રસ હતો, જેના કારણે તેણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. હવે તેનું લક્ષ્ય JEE એડવાન્સમાં ઉત્તમ સ્કોર મેળવીને IIT મુંબઈમાં પ્રવેશ મેળવવાનું છે. તેની મહેનત અને નિશ્ચય તેને આ સિદ્ધિ સુધી લાવ્યા છે.
આ વર્ષે JEE મેઈનના પ્રથમ સેશનમાં લગભગ 13 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે બીજા સેશનમાં 8 લાખથી વધુ ઉમેદવારો જોડાયા હતા. સમગ્ર દેશમાં કુલ 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાં ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરતના શૌર્ય ખેમકાએ પોતાની સફળતા માટે સતત અભ્યાસ અને દૈનિક 13-14 કલાક મહેનતને મુખ્ય કારણ ગણાવ્યું છે, તેમજ શિક્ષકોના માર્ગદર્શન અને નિયમિત રિવિઝનને પણ મહત્વ આપ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે