
કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મૂક-બધિર નાગરિકોને સાઇન લેંગ્વેજ મારફતે મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આદિપુર સ્થિત માતાલક્ષ્મી રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં અંદાજે ૬૦થી વધુ મૂક-બધિર ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. નોડલ ઓફિસર (PWD & SVAP) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી. જે. દેસાઈના માર્ગદર્શન હેઠળ નિષ્ણાતોએ સાંકેતિક ભાષા દ્વારા મતદાનની પ્રક્રિયા, તેનું મહત્વ અને લોકશાહી માટે તેની આવશ્યકતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોએ લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગ લઈ ફરજિયાત મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ દૃશ્ય માત્ર જાગૃતિ પૂરતું નહોતું, પરંતુ સમાજમાં સમાન અધિકાર અને ભાગીદારીના સંદેશને મજબૂત બનાવતું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સહ નોડલ ઓફિસર વિપુલ ડોરિયા, સંસ્થાના મેહુલભાઈ ભટ્ટ તથા સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંભાળી હતી.
આવો પ્રયાસ દર્શાવે છે કે, લોકશાહી ત્યારે જ સશક્ત બને છે જ્યારે સમાજના દરેક વર્ગ સુધી તેની પહોંચ થાય અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar