
કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેપાર પર લગામ લગાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવી જ કામગીરી દરમિયાન મુંદરા તાલુકાના ગુંદાલા ગામમાંથી મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલ દારૂનો મોટો જથ્થો ઝડપાતાં ચકચાર મચી ગઈ છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. એલસીબીની ટીમ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારીને ખાનગી બાતમી મળી હતી.
મળેલી માહિતી મુજબ ગુંદાલા ગામના રહેવાસી જીવણજી ખાનજી જાડેજા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દબિશ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન પોલીસે કુલ રૂપિયા 2,68,832 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 126 બોટલો (કિંમત રૂપિયા 2,46,072 ), બિયરના 58 ટીન (કિંમત રૂપિયા 12760 ) તથા એક મોબાઇલ ફોન (કિંમત રૂપિયા 10000 )નો સમાવેશ થાય છે.
આ મામલે જીવણ ખાનજી જાડેજા , રહે. રણુજાનગર, ગુંદાલા, તા. મુંદરા ને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 (એ) (ઈ) હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વ્યવસાય સામે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી સતત કાર્યવાહીથી આવા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આવનારા સમયમાં પણ આવી કામગીરી વધુ તેજ બનશે તેવું પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar