
કચ્છ,21 એપ્રિલ (હિ.સ.) કચ્છ જિલ્લામાં ચોરી તથા ગેરકાયદેસર હેરફેરના બનાવોને અંકુશમાં લેવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તે વચ્ચે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આધાર પુરાવા વગરના લાખો રૂપિયાના રાયડાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના નેતૃત્વ હેઠળ ટીમે મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી.
પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે ખાનગી બાતમીના આધારે ઘૂબ ગામ તરફ જતાં માર્ગ પાસે નદીના પટની બાજુમાં આવેલા એક ભંગારના વાડામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં એક ટાટા કંપનીની ટ્રકમાંથી શંકાસ્પદ રીતે ભરેલ રાયડાની બોરીઓ મળી આવી હતી. સ્થળ પર હાજર ઇસમ પાસેથી માલ અંગે કોઇ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે સમગ્ર જથ્થો શંકાસ્પદ મિલકત તરીકે કબ્જે લીધો હતો.
પોલીસ દ્વારા કુલ 21030 કિલોગ્રામ રાયડો, જેની કિંમત અંદાજે રૂ. 12,61,800 થાય છે, તેમજ રૂ. 10 લાખ કિંમતની ટાટા ટ્રક કબ્જે કરવામાં આવી છે. આ સાથે આરોપી અસલમ જમાલ તુર્ક તાલુકો મુંદરા ને કાયદેસર રીતે અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા અને દ્રઢતા સ્પષ્ટ જોવા મળી રહી છે. આવી કામગીરીથી ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar