

કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ ગામમાં થયેલી ગોળીબારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ ઉભો કર્યો છે.
મળતી માહિતી મુજબ, વોંધ ગામમાં ૮૫ વર્ષીય હરિદાસ ત્રિભૂવનદાસ સાધુની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યારો કોઈ અજાણ્યો નથી, પરંતુ મૃતકનો જ સગો ભત્રીજો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. દિવસદાઢે થયેલા આ ફાયરિંગના બનાવે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કાનૂની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે.
હત્યા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર જૂની અદાવત તેમજ પ્રેમ પ્રકરણને લઈને આ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, પોલીસ કોઈપણ તારણ પર પહોંચતા પહેલાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ બનાવને લઈને વોંધ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચિંતા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ સાથે સાથે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.આ મામલે વધુ સચોટ માહિતી પોલીસની સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar