
અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં 'સ્વેપ' (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત ઘાટલોડિયા સ્થિત અમૃતા વિદ્યાલય ખાતે શિક્ષકો દ્વારા એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષકોએ પોતાની મૌલિક શૈલીમાં લોકશાહીના પર્વની મહત્તા સમજાવતા 'શિક્ષિત મતદાતા, સચેત મતદાતા'ના મંત્રને સમગ્ર વાતાવરણમાં ગુંજતો કર્યો હતો. લોકશાહીના પાયાને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યોએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં અમૃતા વિદ્યાલયના શિક્ષકોએ જાગૃત નાગરિક તરીકેની પોતાની ભૂમિકા સુપેરે નિભાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક પોતાની ફરજ સમજીને મતદાન કરે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ