
કોલકતા, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-2026ના પ્રથમ તબક્કાના મતદાન પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, મંગળવારે દાર્જિલિંગના કર્સિયાંગમાં જનસભાને સંબોધિત કરતા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ગોરખા સમુદાયની સમસ્યાઓ, મહિલાઓની સુરક્ષા, ઘૂસણખોરી રોકવા અને ઉત્તર બંગાળના વિકાસને લઈને ઘણા મહત્વના વાયદા કર્યા હતા.
અમિત શાહે દાવો કર્યો હતો કે, આ વખતે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારની વિદાય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે જનતા પરિવર્તન માટે તૈયાર છે અને આગામી ચૂંટણી રાજ્યની દિશા નક્કી કરશે.
ગોરખા સમુદાયને આશ્વાસન
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ભાજપની સરકાર બનવા પર ગોરખા સમુદાયની લાંબા સમયથી પડતર સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે ટૂંક સમયમાં એવું સમાધાન કાઢવામાં આવશે, જેનાથી ગોરખા સમાજને સંતોષ મળશે અને તેમના અધિકારોની રક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે વર્ષો સુધી દાર્જિલિંગ અને ગોરખા સમાજ સાથે ન્યાય કર્યો નથી, જેના કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, જો અમુક ગોરખા મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, તો ચૂંટણી પછી તેમને ફરીથી જોડવામાં આવશે અને દરેક પાત્ર મતદારને તેનો અધિકાર અપાવવામાં આવશે.
ઘૂસણખોરી અને સુરક્ષા પર ધ્યાન
અમિત શાહે, ગેરકાયદેસર ઘૂસણખોરી અને રોહિંગ્યા તત્વોને રાજ્યમાંથી બહાર કરવાની વાત કહી અને તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, સરહદી વિસ્તારોમાં કડકાઈ વધારીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, ભાજપ સરકાર બનવા પર આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ કરવામાં આવશે.
ઉત્તર બંગાળના વિકાસ પર ભાર
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉત્તર બંગાળમાં અનેક મહત્વની વિકાસ યોજનાઓ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, વંદે ભારત ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે, સેવક-રંગપો રેલ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અને ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
તેમણે એવું પણ કહ્યું કે, ઉત્તર બંગાળને પ્રવાસન, કનેક્ટિવિટી અને ઉદ્યોગના ક્ષેત્રમાં આગળ વધારવા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે અમિત શાહની રાજ્યમાં ચાર જનસભાઓ નિર્ધારિત છે. તેઓ કર્સિયાંગ, કુલટી, શાલબની અને ચંડીપુરમાં સભાઓને સંબોધિત કરશે. હવે સૌની નજર પ્રથમ તબક્કાના મતદાન અને ત્યારબાદ આવનારા ચૂંટણી પરિણામો પર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ