
ભાવનગર,21 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક યુવક ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આંબલા ગામના કેટલાક યુવાનો બપોરના સમયે ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી ખાણ પાસે ન્હાવા માટે ગયા હતા. ગરમીના માહોલમાં મોજમસ્તી માટે પાણીમાં ઉતરેલા યુવાનોમાં હરેશભાઈ ડાભી (ઉંમર આશરે ૩૫ વર્ષ) નામના પરણિત યુવક અચાનક ઊંડા પાણીમાં જતાં ડૂબી ગયા હતા. સાથી મિત્રો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પાણીની ઊંડાઈ અને પરિસ્થિતિને કારણે તેઓ સફળ રહ્યા નહોતાં.
ઘટનાની જાણ થતાં જ તાલુકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાથે જ ૧૦૮ ઈમર્જન્સી સેવા ટીમના ભરતસિંહ પરમાર અને સંજયભાઈ ચૌહાણ તેમજ સિહોર નગરપાલિકાની આપાતકાલીન બચાવ ટુકડીના જતીનભાઈ રાઠોડ, ભરતભાઈ મોરી અને લાલાભાઈ રાઠોડ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
બચાવ ટીમ દ્વારા યુવકની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને દુઃખનો માહોલ સર્જાયો છે.
આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે ખાણ કે તળાવ જેવા અજાણ્યા અને ઊંડા પાણીમાં ન્હાવા જવું જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને આવી જગ્યાએ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT