
અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે.અગન ભઠ્ઠી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42°C તાપમાન રહી શકે છે.
દિવસભર રાજકોટવાસીઓએ ભારે ગરમી અને સાંજે ઉકળાટનો અનુભવ કર્યો હતો.
રાજકોટમાં સાંજ પડતાં જ ઠંડકનો અનુભવ થતો હોય છે, પરતુ હાલ રળિયામણી રાત પણ ગરમ લાગી રહી છે. લોકો માટે ધોમ તાપમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
રાજકોટનો મુખ્ય રેસ કોર્સ, રિંગ રોડ પર જે સામાન્ય દિવસોમાં હજારો લોકોની અવરજવર થતી હોય, પરંતુ અત્યારે એક વાગ્યે ગણ્યા-ગાંઠ્યા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારો લોકોએ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા અથવા છાયડો કરવાની માગ કરી છે.
સોમવારે અમદાવાદમાં 40.2°C, ગાંધીનગરમાં 39.6°C, વડોદરામાં 39.6°C, સુરતમાં 37.5°C અને અમરેલીમાં 40.9°C મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42°C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41°C; ગાંધીનગર અને ડીસામાં 40°C; ભુજ અને સુરતમાં 39°C; ભાવનગરમાં 37°C; કંડલામાં 36°C; નલિયા અને દમણમાં 35°C; પોરબંદરમાં 34.4°C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33°C તાપમાન રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો મિજાજ આકરો બન્યો છે. હવામાં ભેજનું પ્રમાણ 57% જેટલું ઊંચું રહેતા સુરતીઓએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણમાં પવનની ગતિ બિલકુલ શાંત (00 kmph) રહેતા અને હવાનું દબાણ 1008.9 hpa નોંધાતા બપોરના સમયે લૂ વાતી હોય તેવો અહેસાસ થયો હતો. ગરમીના કારણે બપોરે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
આગામી દિવસોમાં ગરમી હજુ વધવાના સંકેત આપી રહ્યો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તટિય વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે, આ દિવસે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ