



પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વનાણા ગામ ખાતે જુની આંગણવાડી બિલ્ડિંગ હાલ અયોગ્ય અને જર્જરિત હાલતમાં હોવાથી, મહાનગરપાલિકા દ્વારા નવી આંગણવાડી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ તથા ટાઉન પ્લાનર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગામના ચોકમાં આવેલી પ્રાથમિક શાળા બાજુમાં આવેલ પાળીયાવાળી જગ્યા, તેમજ ઢાળીયાવાળો રૂમ અને ખુલ્લી જગ્યામાં ફરતો વંડો છે, જે વનાણા ગામતળની માલિકીની જગ્યા છે. આ જગ્યા પર આસામી હરજી રાજા ઓડેદરા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.
આ બાબતે દબાણ દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી. અને આસામી તરફથી અરજી આપવામાં આવી હતી, પરંતુ કોઈ માલિકી હકના માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં પણ સહી વિનાના
કાગળો જ જોવા મળ્યા હતા.
સ્થળની યોગ્યતા ધ્યાનમાં લેતા, આ જગ્યા નવી આંગણવાડી માટે ખૂબ અનુકૂળ હોય, કારણ કે આ સ્થળ ગામના કેન્દ્રમાં આવેલું છે અને નાના બાળકો માટે સરળતાથી પહોંચવા યોગ્ય છે.
સાથે જ ખુલ્લી જગ્યાની સુવિધા હોવાથી બાળકો માટે રમવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાના રિપોર્ટના આધારે કમિશનર એચ. જે. પ્રજાપતિ દ્વારા દબાણ દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને ઉદ્યોગનગર પોલીસ બંદોબસ્ત સાથે ઢાળીયાવાળા રૂમનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.દબાણ કરનાર દ્વારા સ્થળ પર હાજરી દરમિયાન ૨ દિવસમાં કમ્પાઉન્ડ વોલ દૂર કરવાની ખાતરી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં લઇ હાલની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના એસ્ટેટ અધિકારી હિતેશભાઈ ગોરસીયાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya