
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.) પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં હડકમાઈ માતાજીના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સમર્થકો સાથે પક્ષપલટો કર્યો, જેને રાજકીય વર્તુળોમાં ‘ઘરવાપસી’ તરીકે જોવામાં આવી રહ્યો છે.
દિનેશ પટણી અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાઈને ઉપપ્રમુખ બન્યા હતા અને બાદમાં ભાજપમાં જોડાઈને ત્યાં પણ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે પટણી સમાજને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો, જેના કારણે સમાજમાં નારાજગી ફેલાઈ હતી અને પક્ષ બદલવાનો નિર્ણય લેવાયો.
આ પક્ષપલટાથી પાટણના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં કોંગ્રેસને મજબૂતી મળશે એવી શક્યતા છે, કારણ કે કોંગ્રેસે પટણી સમાજને ટિકિટ આપવાનું વચન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ