ભરૂચના ખેડૂતોનો હૂંકાર: સમાન પ્રોજેક્ટ તો વળતર અસમાન કેમ?
ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કામગીરી રોકવાની ચીમકી ભરૂચના હાંસોટમાં હાઈટેન્શન લાઈન નાખવાનો જમીન માલિકોનો વિરોધ વળતરના મુદ્દે 100થી વધુ ખેડૂતો એ, રસ્તા પર આવી કામગીરી અટકાવી ભરૂચ 07 એપ્રિલ ( હિ. સ ) રાજ્યમાં ચાલી રહેલા વિકાસલક્ષી
ભરૂચના ખેડૂતોનો હૂંકાર: સમાન પ્રોજેક્ટ તો વળતર અસમાન કેમ?


ભરૂચના ખેડૂતોનો હૂંકાર: સમાન પ્રોજેક્ટ તો વળતર અસમાન કેમ?


ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કામગીરી રોકવાની ચીમકી

ભરૂચના હાંસોટમાં હાઈટેન્શન લાઈન નાખવાનો જમીન માલિકોનો વિરોધ

વળતરના મુદ્દે 100થી વધુ ખેડૂતો એ, રસ્તા પર આવી કામગીરી અટકાવી

ભરૂચ 07 એપ્રિલ ( હિ. સ )

રાજ્યમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ વચ્ચે ફરી એકવાર જમીન સંપાદન અને વળતરનો મુદ્દો ગરમાયો છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો ગુમાવવા છતાં અન્ય જિલ્લાઓની સરખામણીએ અન્યાયી વળતર મળતું હોવાનો ગંભીર આક્ષેપ કરી તંત્ર સામે બાંયો ચડાવી છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પ્રોજેક્ટની કામગીરી આગળ વધવા દેવામાં આવશે નહીં.

ભરૂચના હાંસોટ પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું. ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા.

નીતિ અને અમલ વચ્ચે વિરોધાભાસ

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય અને ઉંચા દરે વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર, સરકારની વળતર અંગેની નીતિ અને તેના વાસ્તવિક અમલીકરણ વચ્ચે મોટી અસંગતતા જોવા મળી રહી છે, જે સીધેસીધો ખેડૂતોના હિતો પર ફટકો છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

સમાન વળતર: અન્ય જિલ્લાઓના ધોરણે ભરૂચના ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

પારદર્શક નીતિ: વળતરની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે તે અંગે તંત્ર શ્વેતપત્ર બહાર પાડે અથવા પારદર્શક નીતિ જાહેર કરે.

યોગ્ય દરની ચૂકવણી: બજાર ભાવ અને જમીનની ફળદ્રુપતાને ધ્યાને રાખીને યોગ્ય દરે ત્વરિત ચૂકવણી કરવામાં આવે.

વહીવટી તંત્ર સામે આક્રોશ

જમીન ગુમાવનાર ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોનું શોષણ સાંખી લેવામાં નહીં આવે. એક જ પ્રોજેક્ટ માટે અલગ-અલગ જિલ્લામાં અલગ-અલગ માપદંડો કેમ? આ અસંતોષને પગલે ખેડૂતોએ એકસૂરે હૂંકાર કર્યો છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને સ્થળ પર કામગીરી બંધ કરાવાશે.

હાલમાં આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓ સુધી રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આગામી દિવસોમાં સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande